એક સાણસીનો ઘા


એક સાણસીનો ઘા
"આજ પછી જો મારા ઘરમાં પગ મુક્યો છે ને તો ટાંટિયા ભાંગીને હાથમાં આપી દઈશ, સાલા ! હરામી! આટ આટલા દિવસ તને મારા ઘરમાં રાખ્યો પણ તને એની કંઈજ કદર નથી. અહેસાન ફરામોશ!, નીકળી જ મારા ઘરમાંથી." ક્રોધના અતિશય આવેગમાં આવીને લાલચોળ થયેલ નીલેશે તેના નાના ભાઈ પરેશને કહ્યું.
"હા તે કંઈ તારા ઘર વગર હું કંઈ મરી નથી જવાનો લખી રાખજે તારા કરતા પણ મોટું અને સારું ઘર લઈને બતાવીશ. તારા જેવા અભિમાનીના ઘરે રહેવા કરતા પોતાની રીતે સ્વતંત્રતાની જિંદગી જીવવી વધારે સારી છે. એક દિવસ હતો જયારે ભીખ માંગતા પણ ઘરનું પૂરું નોતું થતું અને અચાનક પૈસા આવવાથી આટલો છકી ગયો. તારા આવા પૈસા ઉપર હું થુકું છું. સાલા બાઇડીના  ગુલામ!" પરેશે પણ આ યુદ્ધમાં પાછા ના પડતા એક પછી એક વાગ્બાણ છોડવા માંડ્યા.     
મહાભારતના યુદ્ધ માં કાકા બાપાના બંને ભાઈઓમાં બંને પક્ષે લડાઈ હતી, જયારે અહીં તો એક જ માના બંને દીકરાઓ સામસામે હતા. તેઓ એક પછી એક હૃદયના ચુરા કરી નાખે એવા વાગ્બાણ છોડતા હતા, જેની એમને ઓછી અને એમના માં બાપ પર વધારે ઘાતક અસર થતી હતી.  
જીંદીગીની ગમે એવી લડાઈમાં ક્યારેય ભાંગી ના પડનાર, અરે ગમે એવી ગરીબીમાં અને કપરી પરિસ્થિતિમાં સંજોગોની સામે હોંકારા પડકારા કરી અડીખમ ઉભા રહીનારા  હરગોવનદાસની આંખોના ખૂણા પણ આજે ભીંજાઈ ગયા. "અરે બહારના દુશ્મનોનેતો ગમે તેમ કરી પહોંચાય પણ જયારે ઘરના જ ઘરના વેરી થાય ત્યારે શું કરવું! . અરે રામ અને રાવણના યુદ્ધમાં રાવણ રામ કરતા હાજર ગણો વધારે શક્તિશાળી  હતો, પણ એક ઘરના વિભીષણના વિશ્વાસઘાતને કારણે રાવણે પોતાના રાજ પાઠ અને જીવ પણ  ગુમાવવા પડ્યા હતા. હે ભગવાન! આ કજીયો ક્યાં જઈને અટકશે?." આજે હરગોવનદાસ ના વર્ષોનો અનુભવ પણ અહીંયા કારગર નહોતો.
            કમળા બેન ના આંખોમાંથી તો આજે બારે મેઘ ગરજતાં હતા. એમની સ્ત્રીગત લાગણીશીલ બુદ્ધિ આ પરિસ્થિતિ સમજવા અસક્ષમ હતી. છેવટે પરેશ આક્રોશનો અગ્નિ હૃદયમાં જલતો રાખી ઘરની બહાર નીકળી ગયો. જતા જતા તેના દરવાજાની પછડાટમાં નિલેશના તીક્ષ્ણ વાગ્બાણોથી પેદા થયેલ નફરતની ગુંજ હતી.
ઘરમાં નીરવ શાંતિ પથરાઈ ગયી. કદાચ શાંતિ નહિ એક ભયાનક સન્નાટો હતો, જે દરેકના હૃદયને વીંધતો હતો. ઘરના બધા સભ્યો જાણવા ઉત્સુક હતા કે હવે શું થશે!.
હરગોવનદાસ પણ મન હળવું કરવા ઘરની બહાર નીકળી ગયા. એમની વર્ષો જૂની ટેવ હતી કે જયારે પણ એમનું મન અત્યંત અશાંત હોય ત્યારે તે ઘરની બહાર નીકળી ખુબ લાબું ચાલવા નીકળી પડતા અને જયારે મન એની મૂળ સ્થિતિમાં પાછું આવે ત્યારે તે ઘર તરફ આવવા લાગતા.
કેમ હરજી ભાઈ ! આજે કઈંક મજા નથી કે શું ! પાછું બે ભાઈઓ વચ્ચે કઈ રામાયણ થઇ કે શું? " રાણીપના જે વિસ્તારમાં હરગોવન દાસ રહેતા હતા ત્યાં બધા એમને હરજી ભાઈ કહીને બોલાવતા હતા.
"કાંતિ તારાથી ક્યાં કાંઈ અજાણ છે. તને તો મારા ઘરની બધી ખબર છે. આજે તો ઘરમાં રામાયણ નહિ પણ મહાભારત થયું. નીલેશે પરેશને ચોખ્ખુ કહી દીધુ  કે હવે ઘરમાં નહિ રહી શકે. વખતે તો એને અમારી વાત પણ ના માની. "
"હા, લાગે છે કે વખતે કંઈક મોટું થયું છે. બાકી દર વખતે તો આવું થતું અને ઓલવાઈ જતું. જે કહો તે હરજીભાઇ પણ આજ જેટલા ઉદાસ તમને ક્યારેય નથી જોયા."
"હા હાચી વાત છે કાંતિ કંટાળી  ગયો છું આ  બધાથી. વિચાર્યું તું કે ઘડપણમાં હું  ને  મારી કમળા શાંતિનો રોટલો ખાઈશું પણ શું ધૂળ ખાય ઘરમાં લાગેલી હોળી એક દી માટેય ઓલવાતી નથી." હરગોવનદાસ પોતાની હૈયાવરાળ કાંતીભાઈને કહી સભળાવતા હતા. તેમનું હૈયું પણ ઊંચે આકાશમાં જોઈને વિચારતું હતું કે, કાળીયા ઠાકર ક્રષ્ણએ ગીતામાં કીધું છે કે દરેક દુઃખનું કારણ ઈચ્છાઓ અને અરમાનો છે, જો ઈચ્છાઓ ના હોય તો કોઈ તમને દુઃખીના કરી શકે, પણ હે ઠાકર! પામર મનુષ્યો માટે ઈચ્છાઓનું દમન કરવું કેટલું અઘરું છે ખબર છે તને! તારા જેવા ઈચ્છાઓ કાબુ માં રાખી શકે કારણ તું બ્રહ્માંડનો અધિપતિ છે બાપ! પણ અમારા જેવાનું શું ? તો ઈચ્છાઓ કરે રાખવાના અને પુરી ના થતા રોયે રાખવાના.
"જો તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું હરજીભાઇ?" પોતાના બુશર્ટના ખિસ્સામાંથી બીડી કાઢી, મોંઢે સળગાવતા સળગાવતા કાંતીભાઈએ હરગોવન દાસને પૂછ્યું."
"બોલ ભાઈ "
"આમ બંને ભઈઓ નાનપણથી ભેગા ઉછર્યા, બરાબર?"
"બરાબર ભાઈ"
"હં.... તો પછી એમનામાં એક બીજા પ્રત્યે આટલી કડવાશ આવી ક્યાંથી? જ્યા સુધી મને યાદ છે, નાનપણમાં તો બન્નેમાં રામ લખમણ જેટલું હેત હતું. અચાનક એવું તો શું થયું કે બન્ને હવે એક બીજાનું મોઢું જોવા નથી માંગતા? છેલ્લા  કેટલાય વર્ષોથી હું જોઉં છું  કે બન્ને સાપ અને નોળિયાની જેમ લડે છે. અરે ગઈ વખતે તો પરેશ લોઢાનો સળીયો લઈને નીલેશને સામો થઈ ગયેલો, અને નિલેશે પણ લાકડાની ખુરશી ઉપાડી લીધી તી. મને લાગ્યું કે આજે એક નું તો ભોડુ રંગાઈ જવાનું પણ છેલ્લે બધું શાંત થઇ ગયું. " હરગોવનદાસ ને વાત ઉપર થોડી શરમ અનુભવાણી પણ કોઈ શું કરે. બાંધી મુઠ્ઠી લાખની પણ ખુલે તો રાખની! બન્ને ભાઈઓ વચ્ચે રાગ નથી મુઠ્ઠી તો ક્યારનીયે લોકો સામે ખુલી ગઈ તી. થોડા સ્વસ્થ થઈને એમને કાંતિ સામે જોયું અને પછી બોલ્યા. 
"સંજોગો કાંતિ સંજોગો! સમય ના જાણે કોની મતિ  ક્યારે ફેરવી નાખે કંઈજ  ખબર નથી. મને પણ નોતી ખબર કે એક નાનકડી ઘટના આટલું મોટું સ્વરૂપ લઇ લેશે કે આજ જેવા દી જોવા પડશે. જો મને પેલથી ખબર હોતને તો કદાચ હું એમને રોકી શક્યો હોત અને આજે દાડા ના આવત."
"પણ થયું તું શું હરજીભાઈ?"
એક સાણસીનો ઘા, કાંતિ! એક સાણસીનો ઘા! અને અમારા અરમાનો બળીને રાખ  થઇ ગયા. ધાર્યું તું કે બન્ને ભાઈઓ હળીમળીને એક જ છત નીચે રહેશે.  બન્નેની વહુઓ અમારા બન્નેની દિવસ રાત સેવા કરશે. ઘરમાં ઘૂઘરા બાંધી એમના વસ્તારો ઘરના આંગણામાં નાચતા હશે. અમને દાદા - દાદી કહી અમારી વાર્તાઓ હાંભળસે. પણ એવું કઈ જ ના થયું કાંતિ! અમારા અરમાનોના મહેલને ભાંગી ને ભુક્કો કરી નાખ્યો. બસ! એક સાણસી નો ઘા!
અને હરગોવનદાસ અતીતના સંસ્મરણોમાં ખોવાઈ ગયા.
જન્મથી   પરેશનો સ્વભાવ તેજ હતો અને નિલેશ  સ્વભાવે થોડો ભોળો હતો.  હું આમ તો જ્યોતિષમાં નથી માનતો ,  પણ લોકો  કહેતા કે પરેશ ઉદ્વેગ ચોઘડિયામાં જન્મ્યો છે એટલે એનો સ્વભાવ તેજ રહેવાનો. એક વાર અમે અમદાવાદથી બરોડા જતા હતા, ત્યારે પરેશ માંડ બે વર્ષનો હશે. ત્યાં બસમાં પરેશે જોર શોરથી રોવાનું શરુ કર્યું અને સતત અઢી કલાક સુધી ચાલ્યું. અઢી કલાકમાંતો એને આખી બસ માથે લીધી. ઘણા લોકોએ ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ કોઈ ફાવ્યું નહિ. આખરે અઢી કલાક પછી એનું રુદન શાંત થયું અને ઉંઘી ગયો.
બાળપણમાં  ભાઈઓસાથે સાથે રમતા.  અમુક સમયે ઝગડતા પણ ખરા પણ થોડી  વાર પછી એક થઈ  જતા. જાણે કઈ  થયું જ નથી. બાણપણની નિર્દોષતાની શું વાત કરું કાંતિ ! તમે ગમે એટલું બાઝયા હોવ પણ થોડી જ વારમાં બધું જ વિસરાઈ જાય.  અંતરમનમાં વહેતા લાગણીઓના ઝરણામાં કોઈ જ બાંધ નહિ. બસ એતો વહયા જ કરે ! વહયા જ કરે ! અમુક સમયે તો થાય છે કે માણસો શું કામ મોટા થતા હશે? જેમ જેમ મોટા થતા જાય  તેમ તેમ લાગણીઓના પ્રવાહમાં બંધ બંધાતો જાય. નવી નવી ગ્રંથિઓ જન્મ લેતી જાય અને જયારે એ બાંધ તૂટે ત્યારે રસાતાળ કરી  મૂકે કાંતિ, રસાતાળ!  એ રસાતાળમાં સંબંધો, લાગણીઓ , વિનય બધું જ તણાઈ જાય  અને રહી જાય છે હું પણાનો એકલો અનુભવ, અહંકાર !
આજે હરગોવનદાસના હૃદયમાંથી સાક્ષાત જ્ઞાનની ગંગા અને આંખોમાંથી અશ્રુધારા વહેતી જતી હતી , જાણે વર્ષો જૂનો એમના હૃદયનો બાંધ આજે  તૂટવાનો હોય.
જેમ જેમ નિલેશ અને પરેશ મોટા થતા ગયા એમના નાના ઝગડાઓએ એમના મગજમાં ઘર કરવાનું શરુ કર્યું અને અમને અણસાર શુદ્ધાએ  ના આવ્યો કે એમના મનમાં એક બીજા પ્રત્યે ક્ડવાશના બીજો રોપાઈ ગયા છે.
એક દિવસ હું અને કમળા અમારા કુળદેવતાના મંદિરે  દર્શન કરવા ગયા. નિલેશ અને પરેશ ઘરમાં એકલા હતા. નીલેશની ઉંમર કંઈક તેર વર્ષ અને પરેશ દશ વર્ષનો હશે.
પરેશ ટીવી જોતો હતો, નિલેશે બહારથી આવી સોફા પર પડેલ ટીવીનું રિમોટ લઈને ચેનલ બદલી નાખી. આજ ક્ષણ હતી એમના મનમાં પડેલા ક્ડવાશના છોડને વટવૃક્ષમાં બદલવાની.
પરેશને સખત ગુસ્સો આવ્યો અને મોંએથી અપશબ્દો બોલ્યો અને ચેનલ બદલવા કહ્યું . નીલેશને સહન ના થયું અને એને પણ સામે અપશબ્દો બોલ્યા અને ચેનલ ના બદલી.
પરેશને એટલો ગુસ્સો આવ્યો કે એને નીલેશના હાથમાંથી રિમોટ ઝપટાવી લીધું અને જમીન પર જોરથી પછાડ્યું અને રિમોટ ના ટુકડે ટુકડા થઈ ગયા.
ગુસ્સામાં આવી નીલેશે પરેશને લાફો ઝીંકી દીધો. આ ઘટનાએ સળગતી હોળીમાં પેટ્રોલ હોમવાનું કામ કર્યું.
ગુસ્સાથી લાલચોળ થયેલ પરેશ તરત જ રસોડામાં ગયો અને કંઈ જ ના મળતા રસોડાની સાણસી લઈ આવ્યો અને એક જોરદાર ઘા નીલેશના માથા પર ઝીંકી દીધો. આ અમારા ઘરની શાંતિ માટે બ્રહ્માસ્ત્રના પ્રહાર બરાબર હતું. નીલેશે રાડારાડ કરી દીધી માથામાંથી લોહીની અને આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.
એની બૂમાબૂમથી પાડોશીઓ ભેગા થઈ ગયા અને માથા પાર મલ્લમ પટ્ટી કરી. થોડી જ વારમાં અમે પણ આવી પહોંચ્યા અને જ્યારે મને ઘટનાની જાણ થઈ ત્યારે મારું મગજ કાબુની બહાર ગયું અને મેં પરેશને ચાર લાફા ઝીંકી દીધા. આ કૃત્ય અક્ષમનીય હતું.
બસ કાંતિ ! એ દિવસની ઘડી અને આજનો દિવસ બંને જાણે ક્યારેય એક બીજાને સરખા બોલાવ્યા નથી. ઘણી વાર  નાની તકરારો મોટા યુદ્ધમાં પરિણામવાની હતી, પણ ક્યારેક હું વચ્ચે આવતો તો ક્યારેક કમળા દીવાલ બની જતી. પરેશના આ કૃત્યએ નીલેશના મનમાં બદલાના બીજ રોપી દીધા.   
પરેશને નીચું દેખાડવાની એક પણ તક નીલેશે છોડી નથી. ત્યારબાદ પરેશ નીલેશને ઝેર જેવો લાગવા લાગ્યો. અમારી સમજાવવાની બધી જ કોશિશો નિષ્ફળ ગઈ. છતાં જેમતેમ કરી અમે ભાડાની એક જ છત નીચે રહેતા રહ્યા. 
સમય જતા નીલેશને ધંધામાં ખુબ જ પ્રગતિ થઈ. એ મહિને લાખ રૂપિયા જેટલું કમાવવા માંડયો જયારે પરેશ ફક્ત વિસ હજાર જેટલું જ કમાતો હતો.
સારી છોકરી જોઈ નીલેશના લગન લીધા પણ એ વખતે ય રામાયણ થઈ, નીલેશે ચોખ્ખુ કહી દીધું કે મારા લગનમાં  આ પરેશ નહિ આવે  અને જો એ આવશે  તો હું લગન નહિ કરું.
જયારે પરેશને ખબર પડી તો એને સામેથી જ કીધું કે, “તારા જેવા કુતરાના લગનમાં આવીને મારેય શું કામ છે.”
એ વખતે પણ કમળાએ બંનેને સમાજમાં આબરૂ ના જાય એ માટે ખુબ સમજાવ્યા.  એ વખતે માંડ  માંડ બંને જણ માન્યા. ખબર નહીં કેમ કાંતિ ! પણ અહંકાર આપણને આટલો વહાલો શું કામ લાગે છે કે એને પોષવામાં આપણે આપણું સર્વસ્વ હોમવા તૈયાર થઇ જઈએ છીએ. સંબધો, લાગણીઓ, વિવેક, આબરૂ અને ક્યારેક તો જીવ પણ! કદાચ આ અહંકાર જ આપણને અસ્તિત્વનું ભાન કરાવે છે એટલે એ વાલો લાગતો હશે. 
સમય જતા નીલેશે એના નામે નવું મકાન લીધું અને પરેશનો અહંકાર વચ્ચે આવ્યો. પરેશે ચોખ્ખુ કઈ દીધું કે, “હવે એ ઘર મારુ નથી હું મારી કમાણીમાંથી  ભાડે મકાન લઈને રહીશ પણ એ નિલિયાના ઘરમાં તો પગ નહિ જ મુકું.” આ પણ મારા અને કમળા માટે વજ્રઘાત સમાન હતી. જિંદગીમાં પહેલી વાર મને જોરથી રડી લેવાની ઈચ્છા થઇ પણ શું કરું છેવટે તો પુરુષ જ  છું ને. જિંદગીમાં મારી જાતને આટલી અસહાય ક્યારેય નહોતી અનુભવી. પહેલી વાર પરેશ અને નિલેશ સામે હાથ જોડવા પડયા અને બંનેને એક જ ઘરમાં રહેવા માટે સમજાવ્યા. ખબર નહિ અમે આ બંને ને ક્યાં સુધી  સાથે  શકીશુ. હજુ પરેશના લગન પણ બાકી હતા. 
જેમ તેમ કરી બંને માન્યા પણ હવે મારી હિમ્મતે પણ જવાબ આપી દીધો હતો. ખબર નહિ હવે શું થવાનું હતું.
આજે સવારે જયારે નીલેશની પત્ની માન્યાએ પરેશ માટે જમવાનું પીરસ્યું તો રોટલીમાં ઘી નહોતું ચોપડયું.  જયારે પરેશે આ વિષે  પૂછ્યું  તો માન્યાએ મહેણું મારતા કીધું કે, "ઘી વાળી રોટલીઓ ખાવી હોય તો પોતાની કમાણીમાંથી ખાઓ અત્યાર તો તમે તમારા ભાઈ ના ઘરે રહીને એના રોટલા તોડો છો.  તમારી કમાણી નો એક રૂપિયોએ તમે ઘરમાં આપતા નથી"
આગ ચાંપવામાં બસ આટલું જ બાકી હતું.  પરેશે પણ સામો જવાબ આપતા બોલ્યો કે, "જે હોય એ તમારા બાપના ઘરની કમાણી નથી ખાતો કે તમારો બાપ અહીં દાણા પુરવા નથી આવતો. બાકી  અમારા બે ભાઈઓનો મામલો છે તમે દખલ ના કરો." બસ અહીંથી બૉમ્બ ધડાકો થયો. માન્યાએ આ વાત નીલેશને કરી અને નીલેશ પોતાના પરનો કાબુ ગુમાવી બેઠો. પછી શું થયું એ તો તને ખબર જ છે ને કાંતિ!
કાંતિભાઈ ત્યાં સુધી ત્રણ બીડી પી ચુક્યા હતા. એમનુ મન પણ ઘુમરાવે ચડ્યું તું. એ વિચારતા હતા કે , :શું બાણપણમાં કરેલ એક સાણસીનો ઘા આટલું બધું કરાવી શકે? "
એમને ધ્રાસ્કો તો ત્યારે પડ્યો, જયારે એમના મને એક બીજો વિચાર કર્યો. "શું આ રસાતાળ અહિયાંથી જ અટકશે કે હજુ ખરો રસાતાળ આવવાનો બાકી છે ?"
ત્યાંજ માન્યા વહુ દોડતી દોડતી હરગોવનદાસ જોડે આવી અને હાંફતા હાંફતા બોલી, "બાપુજી ! જલ્દી ચાલો, બાને હાર્ટ ઍટેક આવ્યો છે." 

Comments